સુરતાની વાડીનો મીઠો મોરલો કવિ કલાપી...
જીવનમાં અને કવનમાં આવા રાજા, કવિ અને ઋજુ હૃદયની સ્નેહભાજન વ્યક્તિનો યોગ તો ક્વચિત જ થાય. કવિ
અને પ્રેમયોગી તરીકે કલાપી અને પ્રજાવત્સલ રાજા તરીકે સુરસિંહજી ગોહિલ ગુજરાતના
લોકહૃદયમાં ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરી ગયા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં
આવેલા લાઠીના આ રાજવી પ્રભાતના શુક્રતારકની જેમ, અલ્પ આયુષ્ય ભોગવીને ભરયુવાનીમાં જ વિદેહ થયા.
કોમળ હૈયામાંથી પ્રણયરસનું અસ્ખલિત
રીતે ટપકવું અને કાવ્યઝરણરૂપે એ રસનું વહન થવું એટલે કલાપીની અતિ અલ્પ જિંદગીનો
ઇતિહાસ, તેમનું આયુષ્ય તો હતું માત્ર ૨૬ વર્ષનું,
પરંતુ એ જીવન એક કાવ્ય સમું - મધુર રસથી ભર્યા
છલકતા જામ જેવું હતું.
૧૮૮૨ થી ૧૮૯૦ સુધી રાજકોટની રાજકુમાર
કૉલેજમાં એમણે પ્રાથમિક શિક્ષણ લીધું. આંખોની તકલીફ, રાજકીય ખટપટો અને કૌટુંબિક ક્લેશને કારણે એ વખતના અંગ્રેજી પાંચમા
ધોરણ આગળ અટક્યું. આમ ઘણું ઓછું શિક્ષણ પામેલા કલાપીએ અંગત શિક્ષક રોકીને અંગ્રેજી,
સંસ્કૃત સાહિત્યનું શિક્ષણ મેળવ્યું. ફારસી-ઉર્દૂનો
પણ અભ્યાસ કર્યો અને વાચન-અધ્યયનની રુચિ કેળવી. ગુજરાતી તથા ઇતર ભાષાઓના
સાહિત્યગ્રંથોના વાચને એમની સાહિત્યિક સજ્જતા કેળવવામાં યોગદાન કર્યું.
સોળ વર્ષની કિશોર - વયે રાજવી સુરસિંહે
એક સાથે એક જ દિવસે બબ્બે રાજકન્યાઓ સાથે લગ્ન કર્યાં. ઈ.સ. ૧૮૮૯ના ડિસેમ્બરની ૧લી
તારીખ હતી. આ લગ્નપ્રસંગે કવીશ્વર દલપતરામ અને કવિ કાન્ત (મણિશંકર રતનજી ભટ્ટ)
હાજર હતા. આ બે રાણીઓમાંથી એકનું નામ હતું - રાજબા. રાજબાને કલાપીએ ૨મા નામ આપ્યું
હતું.
રાજબા-૨માબા સુંદ૨, જાજરમાન અને ભલભલાનાં માન મુકાવે તેવાં હતાં. સાહિત્યરસિક પણ ખરાં.
એમણે થોડી કાવ્યરચનાઓ પણ કરેલી. લગ્નજીવનના આરંભથી જ આ દંપતી જાણે પ્રેમલગ્નથી
જોડાયેલાં હોય એવો તેમની વચ્ચે સ્નેહસંબંધ હતો. આવી સારસબેલડી હોવા છતાં વિધાતાએ
એમના જીવનમાં કાંઈ જુદા જ લેખ લખ્યા હતા. કચ્છની રાજકુમારી રાજબા – ૨માબા સાથે તે સમયના રિવાજ મુજબ એક દાસી કન્યા પણ આવેલી. નામ એનું
મોંઘી. માંડ સાત-આઠ વર્ષની મોંઘી પ્રત્યે શરૂઆતથી જ કલાપીને સ્નેહભાવ જાગ્યો હતો.
મોંઘીને સુરસિંહજીએ ભણાવી. મોંઘી તેજસ્વી બાલિકા હતી. તેનો ઝડપથી વિકાસ થવા
લાગ્યો. કલાપીએ તેને મોંધીમાંથી શોભના બનાવી. તેના તરફના કલાપીના આકર્ષણમાં,
દૃષ્ટિકોણમાં ફરક પડવા લાગ્યો. શોભનાએ થોડા
સમયમાં રાજવી કવિના હૃદયનો કબજો લઈ લીધો.
એક રાજા તરીકે સામાજિક અને નૈતિક
ધોરણોને કારણે તે શોભનાને અપનાવી શકતા ન હતા. કારણ કે શોભના ખવાસ જાતિની હતી. તો -
શોભના વિર્નાનું જીવન પણ કવિ કલાપી માટે અકારું બની ગયું હતું. તેમનું હૃદય જાણે
ફરજ, નૈતિકતા અને પ્રેમ વચ્ચેની યુદ્ધભૂમિ બની
રહ્યું.
કવિહૃદયનાં આ સઘળાં મનોમંથનો વ્યક્ત
થયાં તેમનાં કાવ્યોમાં અને ગુરુસમાન પરમમિત્ર મણિલાલ નભુભાઈ સાથે થયેલા
પત્રવ્યવહારમાં. કલાપીનાં કાવ્યો અને આ પત્રો બંને ગુજરાતી સાહિત્યની એક સમૃદ્ધિ
બની ગયાં. આ પત્રોમાં કલાપીના હૃદયની પારદર્શક સચ્ચાઈ, નિખાલસતા ખળખળ વહેતા ઝરણાની સહજતાથી વ્યક્ત થાય છે. ધર્મનિષ્ઠ અને
વેદાંતજ્ઞ ગુરુસમાન મણિલાલની સલાહ અનુસાર વર્તીને કવિ અસહ્ય યાતના પણ ભોગવે છે.
પોતાના પ્રણયને મોહ ગણી તે શોભનાને અન્ય સાથે પરણાવી દે છે. પરંતુ એથી તો
પતિ-પત્ની બંનેનાં જીવતર ઝેર થઈ જાય છે. આખરે સાચો પ્રેમ કદી પાપ હોઈ શકે નહિ એમ
વિચારી શોભનાને પેલા લગ્નસંબંધમાંથી મુક્ત કરાવીને કવિ તેને પરણે છે. એ દિવસ હતો
૧૧મી જુલાઈ, ૧૮૯૮નો.
ગોહિલવંશ અને લાઠીના રાજકુટુંબમાં ઈ.સ.
૧૮૭૪ના જાન્યુઆરીની ૨૬મી તારીખે કલાપીનો જન્મ થયો હતો. ૧૮૯૫ના જાન્યુઆરીની ૨૧મી
તારીખે તેઓ ગાદીએ બેઠા. નાનપણથી જ એમનામાં વૈરાગ્યભાવના હોઈ રાજવહીવટમાં
તેઓ બેદરકાર હતા. રાજખટપટથી તો તેમને કંટાળો આવતો. આમ છતાં બાહોશ રાજકર્તા બનવા
તેઓ જાગ્રત પ્રયત્ન કરતા. સૌથી અણગમતું લાગતું કર્તવ્ય એમને ગુનેગારોને સજા
કરવાનું હતું. તેમાં એમને પ્રસિદ્ધ ચિંતક સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું
માર્ગદર્શન મળતું હતું. ૧૮૯૮માં એમનો દેહાંત થતાં એ સ્થાન ગોવર્ધનરામ ત્રિપાઠીએ
લીધું હતું. ૧૯૦૦ની સાલમાં છપ્પનિયો કાળ આવ્યો ત્યારે એમણે કલાપીને રાહતનાં કાર્યો
કરવાની સલાહ આપી હતી.
સુરસિંહજીને બે પુત્રો અને એક પુત્રી
હતાં. પુત્રીનાં લગ્ન કરાવવા એ ખૂબ ઉત્સુક હતા. પણ ૧૦મી જૂન, ૧૯૦૦માં એમનું
અવસાન થતાં તેમની ઇચ્છા પૂરી થઈ ન હતી. માત્ર એક જ દિવસની માંદગીમાં તેઓ મૃત્યુ
પામ્યા હતા. કલાપીના બંને પુત્રો - પ્રતાપસિંહ અને જોરાવરસિંહ સાહિત્યપ્રેમી હતા.
પિતા પ્રત્યે તેમને ખૂબ આદર હતો. કલાપીનું સાહિત્ય પ્રસિદ્ધ કરાવવામાં તેમણે ઘણો
રસ લીધો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદનું ૧૧મું અધિવેશન ૧૯૩૩ના ડિસેમ્બર માસમાં
લાઠીમાં યોજાયું હતું. એ પણ કલાપીના ઉત્તરાધિકારીઓની આ ભાવનાનું જ પરિણામ હતું.
કલાપીના જીવન પર અસર કરનારા સ્નેહીઓમાં મણિલાલ નભુભાઈ, ગોવર્ધનરામ, કવિ કાન્ત, રૂપશંકર ઓઝા
(સંચિત), વાજસુરવાળા, મસ્ત કવિ ત્રિભુવન,
જટિલ અને સરદારસિંહ રાણા મુખ્ય હતા. કલાપીના
મૃત્યુ બાદ એમના પરમ મિત્ર સંચિતે આજીવન પાઘડી પહેરી ન હતી.
૧૮ વર્ષની વયે કલાપીએ લેખનપ્રવૃત્તિ
આરંભી હતી. તેના ફળસ્વરૂપે ગુજરાતી સાહિત્યને તેમનાં કાવ્યો મળ્યાં. તેમાં સૌથી
મહત્ત્વનું કાવ્ય ‘હૃદયત્રિપુટી’, આપણા સાહિત્યનું એક ઉત્તમ પ્રેમકાવ્ય છે. અલબત્ત ૧૮૯૨ના જૂન માસની
૨૨મી તારીખે પ્રસિદ્ધ થયેલું એમનું પ્રથમ લખાણ કાશ્મી૨પ્રવાસના વર્ણનનું હતું.
સાહિત્યકાર તરીકે કલાપીનું મહત્ત્વ સવિશેષ તો એમના ‘કેકારવ’ને કારણે જ છે. ‘કલાપીનો કેકારવ’ ઈ.સ. ૧૯૦૩માં
કવિ કાન્તે પ્રગટ કર્યો. એ પહેલાં કલાપીએ ૧૮૯૨થી ‘સુદર્શન ચંદ્ર’માં પોતાનાં
કાવ્યો એસ.ટી.જી.ની સંજ્ઞાથી પ્રસિદ્ધ કરાવ્યાં હતાં. કલાપીની સૌથી પ્રસિદ્ધ થયેલી
કવિતા ‘ફકીરી હાલ’ હતી. ૧૯૦૦માં કલાપીનો દેહાંત થયો તે પછીના દાયકામાં ગુજરાતમાં ‘સરસ્વતીચંદ્ર’ અને ‘કલાપીનો કેકારવ' એ બે કૃતિઓ કદાચ
સૌથી વધુ લોકપ્રિય હતી. કલાપીનાં કાવ્યો એમનાં જીવનસંવેદન અને સંઘર્ષમાંથી
નીપજેલાં છે. તેમનો જીવનસંઘર્ષ પરાકાષ્ઠાએ હતો ત્યારે સૌથી વધુ અને નોંધપાત્ર
કાવ્યો મળ્યાં છે.
કલાપીમાં મર્યાદાઓ છે તે સ્વાભાવિક
રીતે છે. ૨૬ વર્ષની વયે અવસાન પામનાર કવિમાં આવી મર્યાદા સહજ છે. તેમની કૃતિઓમાં
કવિત્વ જેટલું ઊંડું છે તેટલું કલાનું તત્ત્વ નથી. આમ છતાં એ સાચા કવિ હતા એ વિષે
સંદેહ નથી. કલાપીએ કાવ્યો ઉપરાંત પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રોરૂપે ગદ્યલેખન પણ
કર્યું છે. પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્ત્વચિંતનમાંથી વિચારસામગ્રી-બલને તથા
લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઊર્મિનું બળ ને વિચારના તણખા
નોંધપાત્ર છે. કલાપીએ ઊર્મિકાવ્યો લખ્યાં છે, ચિંતનાત્મક કાવ્યો લખ્યાં છે, ગઝલો લખી છે, મુક્તકો પણ
લખ્યાં છે અને મહાકાવ્યનો પણ પ્રયત્ન કર્યો છે. કલાપીએ ગુજરાતી કવિતાને જનહૃદયની
નજીક લાવી મૂકી. એમ કરવા જતાં તેમણે કાવ્યની શિષ્ટતાને આંચ આવવા દીધી નથી. સંસ્કૃત
વૃત્તોને એમણે અસરકારક રીતે પ્રચારમાં મૂક્યાં છે. ગુજરાતી સાહિત્યમાં
પ્રણયકાવ્યોને એમણે પ્રતિષ્ઠિત કર્યાં. પ્રકૃતિનાં સઘળાં અંગો તરફ એમણે ભાવ
બતાવ્યો છે.
કલાપીનાં કાવ્યોમાં તેમના જીવનનું પારદર્શક પ્રતિબિંબ પડે છે. શરૂઆતનાં કાવ્યો વિરહ, વ્યથા અને ઝંખનાની લાગણીઓથી ભરપૂર છે. જ્યારે શોભના સાથેના લગ્ન પછીનાં કાવ્યો તૃપ્તિ અને મસ્તીની ભરતીથી ઊછળતા મહાસાગર જેવાં છે. પ્રણયના પરિતોષમાંથી સરજાયેલાં તેમનાં કાવ્યો ભાવકને મુગ્ધ કરતાં રહ્યાં. પરંતુ બચપણથી જ રાજ્ય છોડીને ક્યાંક અજ્ઞાતવાસ કરવાની વૈરાગ્યવૃત્તિ સેવનારા, ‘ફકીરી હાલ જેવું કાવ્ય રચનારા રાજાને ઠેરઠેર ‘જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ઈશ્વરની યાદી જ' દેખાવા લાગી. માત્ર છવ્વીસ વર્ષના આયુષ્યમાં અને તેમાંય માત્ર આઠ જ વર્ષના કવનકાળમાં તેમને હાથે વિસ્તૃત તેમ જ મૂલ્યવાન સાહિત્યપ્રવૃત્તિ થઈ. આવી વિરક્ત ચિત્તવૃત્તિ સાથે તેમનું અસ્તિત્વ અચાનક દુનિયા છોડીને ઈશ્વરમાં લીન થઈ ગયું.
પ્રકૃતિ, પ્રણય અને ત્યાગ એ એમનાં મુખ્ય પ્રેરક
બળ હતાં. કલાપીએ કાવ્યનાં ભાષા,
છંદ, પ્રવાહિતાના ક્ષેત્રે જે પ્રદાન કર્યું
છે તેનું વિશિષ્ટ મહત્ત્વ છે, કારણ કે કલાપી જે સમયે લખવા લાગ્યા હતા તે સમયે ગુજરાતી કવિતાની
ભાષાનું એટલું ઘડતર થયું ન હતું.
વિશિષ્ટ કૃતિઓ :
કલાપીનો કેકારવ, કલાપીની
પત્રધારા, કાશ્મીરનો પ્રવાસ,
સ્વીડનબોર્ગના વિચારો, સંવાદો, અને માયા અને
મુદ્રિકા (નવલકથા), હમીરજી ગોહિલ, હૃદયત્રિપુટી, ભરત (ખંડકાવ્ય)